અમદાવાદ શહેરે નવરાત્રીના બીજાં નોરતાંએ ઉત્સવની નવી જ લહેર અનુભવી. સાંજ પડતાંજ મેદાન ઝગમગતા દીવો અને લાઇટિંગથી ચમકી ઉઠ્યું હતું. રંગબેરંગી વેશભૂષામાં યુવક-યુવતીઓ સંગીતના તાલે ઉત્સાહપૂર્વક ગરબા રમી રહ્યા હતા.
સ્ટેજ પર કલાકારો દ્વારા લાઈવ મ્યુઝિક અને દુર્ગા સ્તુતિઓ રજૂ થતાં સમગ્ર મેદાનમાં ભક્તિભાવ સાથે આનંદનો માહોલ સર્જાયો. ઢોલ-તાળની ગૂંજ અને સંગીતના સરગમ સાથે હજારો લોકો ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા.
ઉત્સવ સ્થળે ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. માટીથી તૈયાર કરાયેલા ઘર અને તેની દિવાલો પર કરાયેલ વરલી ચિત્રકામ તથા કચ્છી આલેખન કળા લોકોએ ખાસ પસંદ કર્યું. આ અનોખી સજાવટ લોકજીવન અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.
બીજાં નોરતાંએ દર્શાવ્યું કે અમદાવાદની નવરાત્રી માત્ર નૃત્ય અને સંગીતનો જ નહિ પરંતુ સંસ્કૃતિ અને ભક્તિભાવના સંગમનો મહોત્સવ છે. દરરોજ ઉમટી રહેલી ભીડ સાબિત કરે છે કે આ વર્ષે પણ નવરાત્રી શહેર માટે યાદગાર બનવાની છે.
